અનાદિકાળથી જૈન તીર્થની સ્થાપના તીર્થંકર પરમાત્માઓ કરતા આવ્યા છે તે પ્રમાણે અનંતકાળ સુધી તીર્થંકર પરમાત્મા પુનઃ પુનઃ સ્થાપના કરતા રહેવાના છે. વિશ્વના જંબૂદ્વીપના ભરતક્ષેત્રના અર્થાત્ વિદ્યમાન ભારતવર્ષમાં વર્તમાનમાં જે જૈન ધર્મની પ્રણાલી ચાલી રહી છે, તે વર્તમાન ચોવીસીના પ્રથમ ઋષભદેવ ભગવાનના સમયથી ચાલી રહી છે, આ હકીકતમાં જૈન ધર્મના તીર્થંકર દ્વારા પ્રમાણિત આગમો તેમજ વૈદિક શાસ્ત્રો સાક્ષી પુરે છે.
આજથી આશરે 2579 વર્ષ પૂર્વે ગુજરાતી માસની તિથિ પ્રમાણે વૈશાખ સુદ-11ના શુભ દિવસે વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ભારતવર્ષમાં શ્રમણ-શ્રમણી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકા રૂપે ચતુર્વિધ સંઘ મહાતીર્થની સ્થાપના કરી હતી. આ ચતુર્વિધ સંઘની ધુરા ગણધર ભગવંતોને સોંપી હતી. ગણધર ભગવંત સુધર્માસ્વામી ભગવાનની એ જ પરંપરા અવિચ્છિન્નપણે અત્યાર સુધી ચાલી રહી છે.
ચતુર્વિધ સંઘના યોગક્ષેમની જવાબદારી મુખ્યરૂપે શ્રમણ ભગવંતો વહન કરે છે. આ શ્રમણ ભગવંતોની પ્રવર સમિતિ, સ્થવિર સમિતિના માધ્યમથી ચતુર્વિધ સંઘનું યોગક્ષેમ સુચારુરૂપે જળવાય તે મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત શ્રી મહાસંઘની સ્થાપના કરવામાં આવી છે. તેનું મુખ્ય કામ સમગ્ર તપાગચ્છીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોના સભ્યો, સમાજોનું સંગઠન અને સંકલન છે. અન્ય પ્રણાલી પ્રમાણે આરાધના કરતાં વર્તમાનના ગચ્છો આદિનો સહકાર જ્યારે જરૂર પડે ત્યારે તપાગચ્છીય પ્રણાલીને નજરમાં રાખીને લેવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય તેમજ સામાજિક તથા સંઘના ઘટકોની આંતરિક મુશ્કેલીઓ વખતે પ્રવર તેમજ સ્થવિર સમિતિના માધ્યમથી સુલઝાવી શકાય.
વર્તમાનકાળે અનેક જૈન ગણાતા સંઘ સંપ્રદાયોમાં મૂળ પરંપરાઓ અને પ્રણાલી અપનાવતો સંઘ તે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ છે. જે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છને માન્ય શાસ્ત્રો તથા શાસ્ત્રોને સાપેક્ષ, એવા પરંપરાગત આચરણો જે (અકબર પ્રતિબોધક) પ. પૂ. હીરસૂરીશ્વરજી તથા શ્રી દેવસૂરિ આદિથી વિભૂષિત તપાગચ્છની સુવિહિત સમાચારી પ્રમાણે છે. તે મુજબ ચાલે છે. આ પરંપરાને લઈને વર્તમાનકાળના શ્રમણ ભગવંતોએ શ્રી મહાસંઘની સ્થાપના કરવાની પ્રેરણા કરી અને અમદાવાદના સંઘોના આગેવાનોને ભેગા કરીને વિચાર વિમર્શ કરી અને સંઘોને સંગઠિત કરવાના પ્રયાસરૂપે મહાસંઘની સ્થાપના કરી, તેના મુખ્ય ઉદ્દેશને લઈને આ મહાસંઘનું સરકારી કાયદા મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનું કાર્ય પૂર્ણ થયેલ છે.
આ પરંપરા મુજબ શ્રી સંઘની વ્યવસ્થા, નીતિ નિયમો આદિમાં દેશ, કાળ, ક્ષેત્ર, ભાવ આદિને ધ્યાનમાં રાખીને શ્રમણ ભગવંતોની બનેલી પ્રવર સમિતિ તેમજ સ્થવિર સમિતિ આદિના માર્ગદર્શન હેઠળ અનિષ્ઠ નિવારક સુધારા કરવા તેમજ ધર્મ પોષક નવા ઉપનિયમો બનાવવા, તેમજ જે સંઘો સભ્યો છે તેને માર્ગદર્શન આપવું. ચાતુર્માસ કે પર્વતિથિની આરાધનાના દિવસોમાં સંઘ વ્યવસ્થામાં કોઈપણ જાતના નાના-મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય જેવા કે આરાધના માટે ફંડની ઉપજના ખર્ચ, માટે જે સંઘ માર્ગદર્શન માંગે તેને પૂજ્ય ગુરુ ભગવંતોની આજ્ઞા-ઉપદેશ અનુસાર માર્ગદર્શન આપવું અને પ્રશ્નોના નિરાકરણ માટે સહાયક થવું.
જૈન સંઘો અને જૈન ધર્મનું પાલન કરવા સમાજને જરૂરી લાભદાયક માર્ગદર્શન માટે દરેક ક્ષેત્રોના નિષ્ણાંતોની કમિટી બનાવવી, સરકારી કે બિનસરકારી કામ માટે લાઈઝન વર્ક કરવું, કરાવવું, રાજકારણમાં આપણો મક્કમ ધ્વનિ સંભળાય તેવા પ્રયત્નો કરવા. જૈન સંઘ અને સમાજને ધર્મોપયોગી માર્ગદર્શન મળે તેવા પ્રયત્નો કરવા-કરાવવા.
મહાસંઘના સભ્યો કોણ બની શકે ?
સમસ્ત અમદાવાદ શહેરના તપાગચ્છ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - સંસ્થા, પંચ, જે તે સંઘ-સંસ્થાની વ્યવસ્થા સંઘના સભ્યો દ્વારા થતી હોય, વહીવટી-કારોબારીની કમિટીની નિમણૂંક તથા ટ્રસ્ટીઓ, પ્રમુખોની નિમણુંક તે સંઘના બંધારણ અનુસાર સમયાંતરે થતી હોય તેવા સંઘો અને સંસ્થાઓ તેમના બે પ્રતિનિધિને આ મહાસંઘના સભ્ય બનાવી શકશે.