અમદાવાદમાં સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રામાં નાના બાળકો, બહેનો, યુવાનો વગેરે સામૂહિક અનુસ્થાનમાં વિશેષરૂપે જોડાઈને પોતાના સમયનો ભોગ આપતા હોય છે. જેમાં ૧૦૫ જેટલા જૈન સંઘો, ૫૦૦થી વધારે સાધુ-સાધ્વીઓ તથા રથયાત્રાની શોભા વધારવા ધારા-સભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિતભાઈ ઠાકર અને શ્રી દિનેશસિંહ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાને સમૂહમાં ધાર્મિક વિધિવત રીતે ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં રથ, પાલખીઓ, ઊંટગાડી, બળદગાડી, શણગારેલ હાથીનો સમાવેશ કરવામાં આવ્યો હતો તથા અહિંસા અને વિશ્વશાંતિનો સંદેશ આપતી વિવિધ રચનાઓ પણ સામેલ કરવામાં આવી હતી.
જૈન સમાજની આ રથયાત્રાની વિશેષતા એ છે કે વિવિધ સંઘના યુવાનો દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા રૂટ પર સાવચેતી રાખવી, ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવી, ગરીબોને દાન, અબોલ પશુઓ પ્રત્યે જીવદયા વગેરે કાર્ય સંઘના સભ્યો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે.
આ રથયાત્રા સુંદર રીતે પાલડીથી પ્રસ્થાન કરી અંજલિ ચાર રસ્તા, ધરણીધર ચાર રસ્તા અને પ્રીતમનગર અખાડા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.